A Beautiful Poem on Vallabh Vidyanagar
by Megha Joshi.
આ વિદ્યાનગર છે
પંદર મિનીટ બાય પંદર મીનીટનું ગામ એટલે સાવ ગામ નહિ,આમ તો શહેર જેવું પણ આમ પાછુ નાનું એટલે ગામ કહેવાય
સિત્તેર વર્ષે એની અકબંધ જવાનીકા રાઝ -ગર્લ્સ હોસ્ટેલની બારીએ ડોકાતું સ્મિત છે અને સામેની ગલીએ કેચ થતું સ્મિત છે
વર્ષો વરસ અહી અરમાન ઠલવાય છે ,દિવસ રાત અહી સપના વવાય છે,જેના જેવા હોય એવા,એકંદરે બધા ફાવી જાય છે
ચા-બટાકા પૌવાથો શરુ થતો દિવસ વાયા પફ-સમોસા ,મેસની મિક્સ વેજ ખીચડી પર થઈને રાત્રે ચા સાથે પૂરો થાય છે
અહી તાજેતાજા મૂછના દોરા આવે છે ને ભણી-ના ભણીને,હારી-ફરીને સાવ જોતજોતામાં "મોટા માણસ " બની ને જાય છે
ચાવીવાળી રમકડાં જેવી મમ્મી-પપ્પાની ઢીંગલીઓ આવે છે,સારા-નરસા અનુભવે પોતાની રીતે જીવતા શીખી જાય છે
વર્ષોથી ઉભેલા અડીખમ વ્રુક્ષો અને આ ગામ સાથે મોટા થયેલા થોડાં લોકોને બાદ કરીએ તો અહી વસ્તી બદલાય છે
થીયેટર,લાઈબ્રેરી,લેબોરેટરી,લારી,ઠેકઠેકાણે સ્મરણોના ઢગલાં મુકીને જાય છે ને ફરી એને સમેટી લેવા એવા ઝંખે છે
કરિયર,પ્રોફેશન,ભણતર,ડીગ્રી,ગોલ,માર્કશીટ,સર્ટીફીકેટ થાય એટલું ભેગું કરી અહીંથી નવી મુસાફરી શરુ થાય છે
અવાજોની-ભાષાની,ઈચ્છાની-સપનાની ,અપેક્ષાની -અપમાનની,સફળતાની-નિષ્ફળતાની અવન-જાવન થાય છે
ઘણું બધું બદલાતું જાય છે છત્તા આ ગામ વર્ષોથી અકબંધ એ જ જગ્યા એ જ ઉમળકાથી રોજ આવો-આવજો કરે છે.
